મુંબઇઃ ગજની અને લગાન જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન થયું છે. 74 વર્ષીય પ્રદીપ રાવત બ્લડ કેન્સરથી પીડાતા હતા. મંગળવારે સાંજે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેમના ચાહકોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
તેઓ બ્લડ કેન્સરથી પીડાતા હતા
અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યાં હતા. સારવાર બાદ થોડા સમય માટે તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ થોડા મહિના પહેલા કેન્સરની પીડા વધી હતી. તેઓ છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર આજે થશે.
અભિનેતા સોનુ સૂદે સોશિયલ મીડિયા પર પ્રદીપ રાવતનો ફોટો શેર કરીને લખ્યું, પ્રદીપ રાવત ભાઈ, તમારી હંમેશા યાદ આવશે. ટીવી અભિનેતા આયુષ્પાલ શર્માએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી, તેમને ગજનીના ગજની અને લગાનના દેવા તરીકે યાદ કર્યા.















