રાજકોટઃ મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. આ આંદોલન વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યાં છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે હકારાત્મક છે અને ટૂંક સમયમાં ખેડૂતોને વધુ વળતર મળે તેવી નવી નીતિ જાહેર કરવામાં આવશે.
મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, ગત બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ સીએમ હર્ષ સંઘવી સાથે લગભગ 15 મીનિટ સુધી આ ગંભીર મુદ્દે ચર્ચા કરી છે. મોરબી એક ઔદ્યોગિક હબ હોવાથી ત્યાં જમીનના ભાવ ઘણા ઊંચા છે, તેથી ખેડૂતોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ વધુ વળતર મળે તે માટે સરકાર નવી દરખાસ્ત પર વિચાર કરી રહી છે. સરકાર આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે તમામ જિલ્લાના કલેકટર પાસેથી રિપોર્ટ મંગાવી રહી છે.
ખાસ વાત એ છે કે, જેતપરના આ આંદોલનમાં કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલ અમૃતિયા પણ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. કાંતિ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રજૂઆત કરે, ટૂંકા ગાળામાં વળતરની પ્રક્રિયા અને તેની નીતિ નક્કી કરી દેવામાં આવશે.
ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનો અને વીજપોલ સામે લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં છે. કચ્છથી શરૂ થયેલી ખાનગી કંપનીના વીજપોલ સામેની લડાઈ હવે સુરેન્દ્રનગર થઈને મોરબી સુધી પહોંચી છે. જેતપરના ખેડૂતો પોતાની માંગણીઓ સાથે અડગ છે અને ઉપવાસ છાવણીમાં ડાયરા તથા ખાનગી કંપનીના બેસણા જેવા કાર્યક્રમો યોજીને વિરોધ નોંધાવી રહ્યાં છે.

















