• 1100 મહિલાઓએ શિર પર કળશ ધારણ કર્યા હતા
  • 500 પુરુષોના ડમરુ નાદ અને ઢોલ-ત્રાંસાના ધમસાણથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું
  • 1.15 લાખથી વધુ લોકોએ ઘેરબેઠા આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું

નવસારીઃ પીએમ મોદી વડોદરા બાદ નવસારી પહોંચ્યાં હતા. મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીના નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ કર્યું છે. આ ઐતિહાસિક ઘડીને લઈને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

હેલિપેડ પર વડાપ્રધાનના આગમન સમયે 1100 બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં માથે કળશ મૂકીને વધામણાં કર્યાં હતા, 500 પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરી વાતાવરણ શિવમય બનાવ્યું, જ્યારે 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે સ્વાગત કર્યું હતું.

લોકાર્પણ બાદ વડાપ્રધાને સમગ્ર પરિસરની વિગતવાર મુલાકાત લીધી હતી. મુખ્ય કાર્યાલય, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું. આધુનિક લાઈબ્રેરી તેમજ સાંસદ-ધારાસભ્ય માટેની ખાસ કેબિનોની મુલાકાત લીધી હતી. પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનું પણ નિરીક્ષણ કર્યું હતું.