સામે આવેલા વીડિયો અનુસાર, 18 મેના રોજ સફેદ રંગની કેપ અને પર્પલ શર્ટ પહેરેલી એક વ્યક્તિ જેસીબી મશીન લઈને નાસીર નગર પહોંચી હતી. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ બિલ્ડર સંજય લાખાણીનો ભાઈ ઘનશ્યામ લાખાણી છે. વીડિયોમાં તે સાઇટ પર ડિમોલિશન માટે આંગળીઓ ચીંધીને મકાનો બતાવી રહ્યો છે અને લોકોને મકાન ખાલી કરવા માટે દબાણ કરી રહ્યો છે. તેની સામે સ્થાનિક લોકો મકાન ખાલી કરવા માટે છ મહિનાનો સમય માંગી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ સીસીટીવી ફૂટેજમાં ભાજપના કાર્યકર ઝાકીર શાહની હાજરી જોવા મળી છે.આ એ જ ઝાકીર શાહ છે જેણે વર્ષ 2023માં થયેલા ડિમોલિશન સમયે પીડિતોમાં નાની રકમની વહેંચણી કરી આખો ખેલ પાડ્યો હતો અને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
નાસીરનગરની આ કિંમતી જમીન પર પાલિયા ડેવલપરના નામે મોટો પ્રોજેક્ટ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સુરત મહાનગરપાલિકામાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટની અરજી કરવામાં આવી છે, જેમાં પાલિયા ડેવલપર તરીકે શૈલેષ કાછડિયા અને સંજય લાખાણીના નામ બોલે છે. પાલિયા લાઈફસ્ટાઈલ પ્રોજેક્ટ અને બિલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપવા માટે સ્થાનીય તંત્રએ માનવતા અને કાયદા બંનેને કોરાણે મૂકી દીધા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
વર્ષ 2023માં પણ આ જ પેટર્ન હેઠળ અહીં એક ભયાનક ભૂતિયા ડિમોલિશન આચરવામાં આવ્યું હતું. તે સમયના ગ્રાઉન્ડ ઝીરો પરથી પીડિતોની આપવીતીના વીડિયો સામે આવ્યાં છે. કાયદાકીય પ્રક્રિયા મુજબ કોઈ પણ કબ્જો હટાવતા પહેલા લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે, પરંતુ આ કેસમાં કાયદો માત્ર કાગળ પર જ રહી ગયો હતો.
વર્ષ 2023માં વિકાસના નામે પાલિયા પ્રોજેક્ટના બિલ્ડરોના ખાનગી પ્રોજેક્ટ્સ માટે 338 ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યાં હતા. જે પરિવારો અહીં છેલ્લા 40 વર્ષોથી પોતાના માતા-પિતા અને સંતાનો સાથે રહેતા હતા, તેમને તંત્રની મહેરબાનીથી બિલ્ડરોએ એક જ ઝાટકે રાતોરાત બેઘર કરી દીધા, ત્યારે આવા કિસ્સાઓમાં જો ભાજપ સરકાર કોઇ યોગ્ય કાર્યવાહીં નહીં કરે તો આગલ પણ આવા ગોટાળા થતા જ રહેશે.