ભૂતિયા ડિમોલિશનનું ષડયંત્ર કલાકો પહેલાં જ આયોજનબદ્ધ રીતે ઘડી કાઢવામાં આવ્યું હતુ. ગત 30મી મેના રોજ નાસીરનગરમાં જ્યારે JCB અને બુલડોઝર સહિતની મશીનરીઓ સાથે ડિમોલિશનની ગેરકાયદેસર કાર્યવાહી શરૂ થવાની હતી, તેના બરાબર પહેલાં જ તંત્રના અમુક માણસો પડદા પાછળ સક્રિય થઈ ગયા હતા.
30 મે, 2026ની વહેલી સવારે બુલડોઝર ફરે તે પહેલાં જ સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના લાઈટ વિભાગના ઈલેક્ટ્રીક સુપરવાઈઝર શૈલેષભાઈ નામના કર્મચારીએ ટોરેન્ટ પાવર કંપનીમાં સત્તાવાર ફરિયાદ (કમ્પ્લેન) નોંધાવી હતી. આ ફરિયાદ નાસીરનગરમાં વીજ પુરવઠો તાકીદે બંધ કરવા અથવા લાઈનો કાપવા અંગેની હતી. આ પાછળનો હેતુ એવો હતો કે ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરી વખતે કરંટ લાગવાની કોઈ દુર્ઘટના ન ઘટે અને કોઈ પણ અડચણ વગર ગણતરીની મિનિટોમાં આખું ઓપરેશન પૂરું કરી શકાય.
30 તારીખે વહેલી સવારે ટોરેન્ટ પાવરમાં નોંધાવેલી કમ્પ્લેન વિશે તેમને તીખા સવાલો પૂછતાં જ તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. તેમણે સ્વીકાર્યું કે પાવર કટ કરવાની કમ્પ્લેન તેમણે જ કરી હતી, પરંતુ આ ઓર્ડર કોણે આપ્યો તે અંગે નામ આપવાનું ભૂલી ગયા હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું, જે પ્રકારે તપાસ કમિટી બની છે, એ કોર્પોરેશનના અધિકારીઓ પૂરતી મર્યાદિત રહે અને કાર્યપાલક લેવલના ઈજનેરો આમાં સામેલ હોય, ત્યારે એની ઉપર કાર્યપાલક ઈજનેરો જ તપાસ કરે એ મને લાગે છે ક્યાંક ખૂટતી કડી છે. આના માટે ઉચ્ચ અધિકારીઓની એક સ્વતંત્ર કમિટી બનાવવી પડે. પરંતુ, ઠીક છે, અત્યારે કમિશનરે જે કમિટી બનાવી છે તે પ્રાથમિક તપાસ કરે. પરંતુ, જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું છે, એમાં જે હાજર અધિકારીઓ અને કાર્યપાલક ઈજનેરો છે, તેમણે કોર્પોરેશનને કોઈ પ્રકારની પૂર્વ સૂચના નથી આપી. કોર્પોરેશનને સૂચના ન આપવાનો સીધો મતલબ એવો થાય કે તેઓ પોતે ત્યાં ગેરકાયદેસર રીતે ઉપસ્થિત હતા.