અમદાવાદ: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સરખેજ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાંથી અમદાવાદીઓને કાયમી મુક્તિ મળશે. ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો 4 કિલોમીટર લાંબો 6 લેન ફ્લાયઓવર લગભગ બનીને તૈયાર થઈ ગયો છે.દિવાળીના તહેવારો પહેલાં જ આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકવાની તૈયારીઓ ચાલી રહી છે.આ બ્રિજ શરૂ થતાં જ રોજના અંદાજે 2 લાખ વાહનચાલકોને પીક-અવર્સના ટ્રાફિક જામમાંથી છૂટકારો મળશે અને અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી બનશે.
વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે વિગતો આપતાં જણાવ્યું કે,નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ આખરી તબક્કામાં છે.દિવાળી પહેલાં જ આ ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આ બ્રિજનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે.
એસજી હાઈવે પર વાહનોના ભારે દબાણને હળવું કરવા NHAIદ્વારા છેલ્લા બે વર્ષથી આ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. વાહનચાલકો સરળતાથી બ્રિજ પર ચઢી અને ઊતરી શકે તે માટે બંને સાઈડ 3-3 એક્સેસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યાં છે.બ્રિજ પર આસપાસના રહેવાસીઓને અવાજનું પ્રદૂષણ ન નડે તે માટે આધુનિક નોઈઝ બેરિયર તેમજ રાત્રિના સમયે વાહન ચાલકોની સુરક્ષા માટે થર્મોપ્લાસ્ટિક રોડ ફર્નિચર અને રોડ માર્કિંગ જેવા કામો સંપન્ન થઈ ચૂક્યા છે.














