ભાવનગર: ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના મંત્રી પરષોત્તમ સોલંકીએ પોતાની નાદુરસ્ત તબિયત અંગે ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓનો ભાવનગર ખાતેથી સણસણતો જવાબ આપ્યો છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લાંબી સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને જાહેરમાં આવેલા મંત્રીએ ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પોતાના આગવા અંદાજમાં ગર્જના કરતા કહ્યું કે,સિંહ તો સિંહ જ રહે.30 વર્ષ પહેલાં જે પરષોત્તમ હતો,આજે પણ એ જ પરષોત્તમ તમારી સામે ઊભો છે.
જાહેર મંચ પરથી સમર્થકો સાથે સીધો સંવાદ કરતા મંત્રીએ પોતાની બીમારીની વિગતો આપતાં જણાવ્યું કે,છેલ્લા ત્રણ- ચાર મહિનાથી મારા ડાબા પગમાં ગંભીર સમસ્યા ઊભી થઈ હતી.તબીબી કારણોસર પગની ટચલી આંગળી કાપવી પડી હતી અને તેના કારણે મારે મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં એક મહિના સુધી દાખલ રહેવું પડ્યું હતું.પરંતુ તમારા બધાના આશીર્વાદ અને પ્રજાની શુભેચ્છાઓથી હું આજે સહીસલામત ભાવનગર પાછો આવ્યો છું.
પોતાના કાર્યકરોમાં નવો જોશ ભરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈના મનમાં એવો વહેમ કે ભ્રમ ન રહે કે પરષોત્તમભાઈ બીમાર કે નબળા પડી ગયા છે.હું સંપૂર્ણ સ્વસ્થ અને મજબૂત છું.તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.














