- મહારાષ્ટ્ર પાસિંગની હતી બંને એસટી બસ
- એક બસ સીએનજી હતી
- રોડ પર પલટી ગયેલા ટેન્કરના કારણે સર્જાયો અકસ્માત
સુરત: બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત પાછળનું કારણ રસ્તા પર પલટી મારી ગયેલું એક ટેન્કર હતું. બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવાના ચક્કરમાં પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
નિયંત્રણ ગુમાવતા જ આ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ બીજી સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી.
અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાના કારણે, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.

















