સુરતઃ ઓપ્શન ટ્રેડિંગમાં થયેલા મોટા નુકસાનની ભરપાઈ કરવા એક એકાઉન્ટન્ટે પોતાના જ અપહરણનું નાટક કર્યું હતુ. અપહરણકર્તા તરીકે ઓળખાઈને, તેણે તેની પત્ની પાસેથી તેના મોબાઇલ ફોન દ્વારા રૂ. 50 લાખની ખંડણી માંગી અને પોતાને બંધક બનાવતો વીડિયો મોકલ્યો હતો.
આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં બની હતી. આ વિસ્તારના 36 વર્ષીય રહેવાસી જિગ્નેશ તલાવિયાએ પોતાની પત્નીને હિન્દીમાં ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. જો રૂ.50 લાખ ચૂકવવામાં નહીં આવે તો તેને તેના પતિનો મૃતદેહ મળશે. તેમાં પોલીસનો સંપર્ક કરવા અથવા બેંક ખાતું બંધ કરવા પર ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.
મેસેજ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો, જેમાં જીગ્નેશને બંધક બનાવાયેલો દર્શાવવામાં આવ્યો હતો. વીડિયો જોયા પછી પરિવાર ગભરાઈ ગયો અને સમગ્ર મામલાની પોલીસને જાણ કરી હતી.
મોટા વરાછાના ભક્તિનંદન સેક્ટર-2 માં રહેતી મીનાક્ષીબેન તલાવિયાએ 12 જૂનના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં તેમના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. જીગ્નેશના મોબાઇલ પરથી તેની પત્નીના ફોન પર ધમકીભર્યો મેસેજ અને એક વીડિયો મળ્યો. ખંડણી માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી મળતાં, પોલીસે આ મામલાને અપહરણનો કેસ ગણાવ્યો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

















