- કેમ છો બધા, આપણું સુરત મજામાં ને, આત્મીય સંવાદ સાથે વડાપ્રધાને સુરતીઓના જુસ્સાને બિરદાવ્યો
- પ્લેગની મહામારીમાંથી બહાર આવીને સુરત આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યુંઃ મોદી
સુરતઃ વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યાં હતા. સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ પીએમ મોદી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ (સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા) માટે અંદાજીત રૂ. 18,778 કરોડના ખર્ચે 8 વિવિધ વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ. 13,926 કરોડના કાર્યોનું લોકાર્પણ અને રૂ. 4,852 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

















