સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સુરત પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ ડાયમંડ સિટી સુરત મહાનગરપાલિકાની બેદરકારી અને નબળી કામગીરીનો પર્દાફાશ થયો છે, વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ એવા ઇન્ડોર સ્ટેડિયમની બિલકુલ બહાર જ એક મોટો ભુવો પડતા પાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી જૂને સુરતના પ્રવાસે આવી રહ્યાં છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતને કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપશે, જેમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો સામેલ છે. જેમાં હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ, સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. 

જે સ્થળે વડાપ્રધાનની જાહેર સભા યોજાવાની છે અને જ્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ વીઆઈપી મૂવમેન્ટ રહેવાની છે, તેની બિલકુલ નજીક જ રસ્તો બેસી જતાં મનપાના વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા થયા છે. ચોમાસું હજી બરાબર શરૂ પણ નથી થયું ત્યાં જ પીએમના રૂટ અને કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડતાં સ્થાનિક નાગરિકોમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની ગુણવત્તાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પીએમના કાર્યક્રમની ગંભીરતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભુવો પડવાની જાણ થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વડાપ્રધાનના આગમન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા રાતોરાત યુદ્ધના ધોરણે આ ભુવો પૂરવાની અને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.