સુરતઃ છેલ્લા કેટલાક સમયથી સાયબર છેતરપિંડીના એક પછી એક નવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે કરોડોના છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, નેપાળ સ્થિત એક શખ્સ દ્વારા લોકોને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવતા હતા અને તે માટે મેટ્રિમોનિયલ સાઇટ્સ પર નકલી પ્રોફાઇલ બનાવતા હતા.
મેટ્રિમોનિયલ સાઇટ પર જિજ્ઞાસા કપૂર નામની નકલી પ્રોફાઇલ બનાવીને ફોરેક્સ ટ્રેડિંગ રોકાણના નામે સુરતના એક યુવાન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નકલી પ્રોફાઇલ દ્વારા તે વ્યક્તિ સાથે મિત્રતા કરીને અને તેને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે સમજાવીને આ છેતરપિંડી આચરવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે આ છેતરપિંડીની કડીઓ ગુજરાતથી નેપાળ સુધી ફેલાયેલી હતી. પોલીસે રૂ. 2.30 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં એક ડૉક્ટર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. કૌભાંડની રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓ સાયબર છેતરપિંડીના 31 અન્ય કેસોમાં પણ સામેલ હતા. કુલ રૂ. 15 કરોડની ઉચાપત પ્રકાશમાં આવી છે.
આરોપીઓએ મેટ્રિમોનિયલ સાઇટ પર જિજ્ઞાસા કપૂર નામથી નકલી પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ, Dilsafar એપ દ્વારા પીડિતાનો સંપર્ક કર્યો અને તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રૂ. 50,000 નું પ્રારંભિક રોકાણ કરવા માટે સમજાવ્યાં હતા.

















