મળતી માહિતી મુજબ, આ લોહિયાળ વિવાદના મૂળ સોશિયલ મીડિયા ફેસબુક પર છે. ફરિયાદી મહિલાના પુત્ર હિરેને અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગૌશાલી વિરુદ્ધ એક અરજી આપી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે ગૌશાલી સોશિયલ મીડિયા પર ગુજરાતના ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મૂકીને તેમને બદનામ કરી રહી છે. આ અરજી સંદર્ભે જ્યારે પોલીસે ગૌશાલીને માત્ર જવાબ લખાવવા માટે પોલીસ મથકે તેડાવી, ત્યારે તે ઉશ્કેરાઈ ગઈ હતી અને અરજી કરનાર પરિવાર પર વેર વાળવાનું કાવતરું ઘડ્યું હતું.
ઘટના પૂર્વ આયોજિત હોવાના પુરાવા સામે આવ્યાં છે. ગત તા. 09 જૂન, 2026ના રોજ આરોપી ગૌશાલીએ ભોગ બનનાર પરિવારના મોભી અશોકભાઈ માંગુકિયાને વૉટ્સએપ કોલ કરીને ધમકી આપી હતી કે, હું તમને અને તમારા પરિવારને ઘરમાં ઘૂસીને મારીશ, તમે બધા તૈયાર રહેજો. આ ધમકીના બીજા જ દિવસે એટલે કે તા. 10 જૂનની રાત્રે આશરે 8 વાગ્યે ગૌશાલી અને તેનો પતિ નરેન્દ્ર પૂર્વ તૈયારી સાથે કતારગામ ખાતે ફરિયાદીના ઘરે હુમલો કરવા પહોંચી ગયા હતા.
બંને આરોપીઓ જ્યારે ઘરમાં ધસી ગયા ત્યારે ત્યાં આધેડ મહિલા અને તેમનો 30 વર્ષીય પુત્ર હિરેન હાજર હતો. આરોપીઓએ ઘરમાં પ્રવેશતા જ હિરેન સાથે ગાળાગાળી કરી મારપીટ શરૂ કરી દીધી હતી. દરમિયાન આપ નેતા ગૌશાલી પોતાના મોબાઈલમાં લાઈવ વીડિયો ઉતારી રહી હતી, જ્યારે તેનો શિક્ષક પતિ નરેન્દ્ર હિરેનને નિર્દયતાથી ઝૂડી રહ્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા માતાને નરેન્દ્રએ જોરદાર ધક્કો મારતા તેઓ નીચે પટકાયા હતા, જેના કારણે મહિલાના ડ્રેસનો ઉપરનો ભાગ ફાટી ગયો હતો અને નખ વાગવાથી લોહીલુહાણ ઇજાઓ થઈ હતી.
પુત્ર હિરેન પોતાનો જીવ બચાવી પોલીસને ફોન કરવાના બહાર ભાગતા આરોપીઓએ એકલવાઈ મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. આરોપી નરેન્દ્રએ બૂમો પાડી કહ્યું કે, આજ તો તારી હાથની આંગળી જ ભાંગી નાખવાની છે અને તારા છોકરાને મારી જ નાખવાનો છે. ત્યારબાદ પતિની ઉશ્કેરણીથી ગૌશાલીએ મહિલાનો હાથ દરવાજાના બારશાખ વચ્ચે રાખી બે વખત જોરથી લોખંડનો દરવાજો પછાડી આંગળીઓ તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઘરમાં આતંક મચાવ્યાં બાદ આરોપીઓએ બહાર હિરેનને પાર્કિંગમાં પડેલું પ્લાસ્ટિકનું ટબ લઈને જાહેરમાં દોડાવી દોડાવીને ફટકાર્યો હતો. સોસાયટીમાં બૂમાબૂમ થતાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા અને માતા-પુત્રને વધુ મારથી બચાવ્યાં હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત માતા-પુત્રને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ રજા મળતા જ પીડિત મહિલાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કડક કાર્યવાહી હાથ ધરી હતી.