- 2 લાખ રૂપિયાનો તોડ અને વીડિયો વાયરલ કરવાની ધમકી મામલે ત્રીજી FIR
- સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
વડોદરાઃ શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાનો વીડિયો વાયરલ કરીને ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજના એક કાફે સંચાલક પાસેથી બે લાખ રૂપિયાની ખંડણી માંગવા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાના આક્ષેપ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજખોરીના કેસમાં હાલ તમન્ના અને તેનો પતિ સોહિલ સૈયદ પોલીસ રિમાન્ડ પર છે.
ફતેગંજ સ્થિત 'ઈનવિઝીબલ કાફે'ના સંચાલક મહમંદ ઝૈદ અયાઝ શેખે આક્ષેપ કર્યો છે કે, તમન્નાએ કાફેમાં ડ્રગ્સ વેચાતું હોવાનો દાવો કરતો વીડિયો બનાવી કાફે બંધ કરાવવાની અને નામ સાથે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, તમન્નાના પતિ સોહિલ સૈયદે પણ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, "તું પૈસા તૈયાર રખના વરના વાયરલ હો જાયેંગા".

















