- પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય
- ગુજરાત સરકારે 4 લાખની સહાયની કરી જાહેર
- ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 9 શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને વિસ્ફોટના કારણે શ્રમિકોના શરીરના ચીથરેચીથરા ઉડી ગયા હતા. આ ઘટના પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.
પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે, તેમજ સ્થાનિક તંત્ર પ્રભાવિતોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું હોવાનું જણાવ્યું છે. ઉપરાંત, PM રાષ્ટ્રીય રાહત ફંડ માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર લખ્યું, અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

















