ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) ના 24 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે  બનાસકાંઠા જિલ્લામાંથી આ હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત, દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 18,680 કરોડ રૂપિયાથી વધુની નાણાંકીય સહાય મળશે.  કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ બુધવારે આ જાહેરાત કરી હતી. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. તેમની મુલાકાતના બીજા દિવસે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં પીએમ કિસાન યોજનાનો 24 મો હપ્તો રજૂ કરશે. દેશભરના પાત્ર ખેડૂત પરિવારોના ખાતામાં નાણાંકીય સહાય ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 1,051 કરોડથી વધુ રકમનું ભંડોળ પ્રાપ્ત થશે. તેમણે ભીલડીમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કર્યા પછી આ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ. 6,000 ની નાણાંકીય સહાય મળે છે. આ નાણાં સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 2,000 ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.  આ યોજનાના અગાઉના 23 હપ્તાઓ દ્વારા દેશભરમાં રૂ.4.47 લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતમાં લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ.24,137 કરોડથી વધુની નાણાંકીય સહાય મળી છે.

પીએમ કિસાન હપ્તો જાહેર કરવા ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવી રહેલા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્લાન્ટ ગાયના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરશે.