અમદાવાદઃ શહેરમાં પ્રાઇમ જમીનની માગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા હરાજીમાં મૂકાયેલા ત્રણ પ્લોટ માટે રિઝર્વ પ્રાઇસ કરતાં 49 ટકા સુધી ઊંચી બોલીઓ લાગી હતી. આશરે રૂ. 900 કરોડના સોદાઓ વિવિધ વિસ્તારોમાં આવેલી જમીનો મેળવવા માટે કોર્પોરેટ ગૃહો અને ડેવલપર્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી હોવાનું દર્શાવે છે.
આ રેસમાં સૌથી આગળ કિરી ડાઈ-કેમ ગ્રૂપની ઓરિક્સિયન એનર્જી રહી હતી. જેણે કઠવાડા-નિકોલમાં 73,428 ચોરસ મીટરનો પ્લોટ આશરે રૂ. 700 કરોડમાં લધો છે. આ જમીન માટે રૂ. 65,000 ની રિઝર્વ પ્રાઇસ સામે રૂ. 95,000 પ્રતિ ચોરસ મીટરની બોલી મળી હતી, જે આશરે 46 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. ચારેય બાજુથી રસ્તાની કનેક્ટિવિટી હોવાથી આ પ્લોટની ડેવલપમેન્ટ ક્ષમતા વધુ મજબૂત બને છે.
આ સંપાદન સાથે કિરી ગ્રૂપનો રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સત્તાવાર પ્રવેશ થયો હતો. ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ કિરીએ જણાવ્યું કે, આ અમારો પહેલો રિયલ્ટી પ્રોજેક્ટ હશે. અમને આ લોકેશન પસંદ આવ્યું અને અમે લાંબા ગાળાના વિકાસ તરફ જોઈ રહ્યાં હોવાથી ઊંચો ભાવ બોલ્યાં, કારણ કે કઠવાડા- નિકોલ વિસ્તારમાં રિયલ એસ્ટેટનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આ જમીન રેસિડેન્શિયલ ઉપયોગ માટે અનામત રાખવામાં આવી છે.
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વસવાણીએ જણાવ્યું કે આવા બિડિંગથી ડેવલપર્સ અને જમીન માલિકો માટે સકારાત્મક માહોલ ઊભો થશે. પ્રોપર્ટીની ભાવિ માંગની સાથે અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પણ આ તેજી પાછળનું એક પરિબળ હોઈ શકે છે.














