અમરેલીઃ ઇરિગેશન કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાંધકામના બાકી બિલો તેમજ મટિરિયલ ટેસ્ટિંગ બિલના નાણાં મંજૂર કરવાના અવેજ પેટે અગાઉ ચૂકવાયેલા બિલના એક ટકા લેખે રૂ. 51,000ની લાંચ સ્વીકારતા જુનિયર ક્લાર્ક અને કરાર આધારિત પટાવાળાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યાં છે.

એક કોન્ટ્રાક્ટરને અમરેલી ઇરિગેશન વિભાગ તરફથી વર્ષ 2025-26 દરમિયાન વિવિધ બાંધકામો માટેના વર્ક ઓર્ડર મળ્યાં હતા. કામગીરી પૂર્ણ થયા બાદ તેમની કન્સ્ટ્રક્શન કંપનીના ખાતામાં અમુક રકમ જમા થઈ હતી, જ્યારે બાકી નીકળતા નાણાં તેમજ બાંધકામમાં વપરાયેલા મટિરિયલના ટેસ્ટિંગ બિલની મંજૂરી મેળવવાની બાકી હતી. આ બાકી બિલો ક્લિયર કરી આપવાના બદલામાં, અગાઉ ચૂકવાયેલી રકમ પર એક ટકા કમિશન પેટે કચેરીના જુનિયર ક્લાર્ક (વર્ગ-3) રાકેશ વિનોદરાય ભટ્ટે રૂ.51,000ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી એસીબીનો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે એસીબી દ્વારા બહુમાળી ભવનની 'સી' વિંગના ત્રીજા માળે આવેલી ઇરિગેશન કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટના કહેવાથી કચેરીના કરાર આધારિત પટાવાળા જયદિપ ચતુરભાઈ હરિયાણીએ ફરિયાદી પાસેથી રૂ. 51,000ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.

Gallery Image 2