ભાવનગર: ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બાડા) માં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. શામપરા સિદસર ગામની બિનખેતી જમીનનો પ્લાન મંજૂર કરવા માટે લાખો રૂપિયાની લાંચની માગણી કરનાર બાડાના આઉટસોર્સ પ્લાનિંગ આસિસ્ટન્ટને ભાવનગર એસીબીની ટીમે કાળિયાબીડ વિસ્તારમાંથી રૂ.9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક જાગૃત નાગરિકની શામપરા સિદસર ગામની સીમમાં બિનખેતી જમીન આવેલી છે. આ જમીનનો પ્લાન મંજૂર કરાવવા માટે તેઓ છેલ્લા દોઢેક વર્ષથી 'બાડા' કચેરીના ધક્કા ખાઈ રહ્યાં હતા. દરમિયાન બાડામાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા પ્લાનિંગ આસિસ્ટન્ટ મિતુલ જગદીશભાઈ પાનસીણીયા (ઉં.વ. 32, રહે. અલ્કાપુરી સોસાયટી, ટાણા ચોકડી પાસે, તા. શિહોર, જિ. ભાવનગર દ્વારા પ્લાન મંજૂર કરી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 15 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી.
ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકઝકને અંતે લાંચની રકમ રૂ. 12 લાખ નક્કી થઈ હતી. જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. 9 લાખ મંગળવારે ચૂકવવાનું ઠરાવાયું હતું. જો કે, અરજદાર લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે આ અંગે ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે એસીબી તંત્ર દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા કલ્યાણ જ્વેલર્સથી આગળ, નવી પાણીની ટાંકી પાસે ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપી મિતુલ પાનસીણીયાએ ફરિયાદી પાસેથી લાંચ પેટે નક્કી થયેલી રૂ. 9 લાખની રોકડ રકમની માગણી કરી સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને કોર્ડન કરી રંગેહાથ ઝડપી લીધો હતો.

















