અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરી છે.
શારજાહથી અમદાવાદની G9-418 ફ્લાઈટમાં આવેલો મુસાફરે પોતાની ટ્રોલી બેગમાં 495.04 ગ્રામ 24 કેરેટ સોનું લઈને આવ્યો હતો. તેને અટકાવીને તપાસ કરતા રૂ. 72.28 લાખનું 495.04 ગ્રામ સોનું જપ્ત કરાયું હતુ.
કસ્ટમ્સના અધિકારીઓએ મુસાફરના ચેક-ઇન બેગેજના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ ઈમેજ જણાતા ટ્રોલી બેગની તપાસ કરવામાં આવતા બેગમાં વધારાનું લેયર અને પેચ મળી આવ્યો હતો. ટ્રોલી બેગ ખોલીને અંદરની પ્લાસ્ટિક લેયર દૂર કરતાં તેની અંદરની બાજુએ કાળા રંગની પાતળી પ્લાસ્ટિક શીટ ચોંટાડેલી હતી.
કસ્ટમ્સ અધિકારીઓએ આ પ્લાસ્ટિક શીટ દૂર કરતાં તેની નીચે ગોલ્ડ પેસ્ટ છુપાવવામાં આવી હતી. ગોલ્ડ પેસ્ટને બહાર કાઢીને ઓગાળવામાં આવતા કુલ 495.04 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. કસ્ટમ્સ દ્વારા રૂ. 72,28,574ની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સોનાની દાણચોરીના આ કેસમાં મુસાફરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.














