(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
- સમર્થકોએ ખભા પર બેસાડ્યાં હતા તે જ સમયે ભીડમાંથી આવેલા યુવકે હુમલો કર્યો
- ઉશ્કેરાયેલા કાર્યકરોએ યુવકને મેથીપાક આપ્યો, પોલીસે માંડ-માંડ બચાવી કસ્ટડીમાં લીધો
- થપ્પડબાજીનો વીડિયો વાયરલ

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
જયપુર: રાજસ્થાનના જયપુરમાં શહીદ સ્મારક ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે અફરાતફરી મચી ગઈ હતી. NEET પેપર લીક, કથળતી શિક્ષણ વ્યવસ્થા અને વધતી બેરોજગારી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પર એક અજ્ઞાત યુવકે અચાનક હુમલો કરી દીધો હતો. યુવકે જાહેરમાં જ અભિજીત દીપકેને એક પછી એક ઘણી થપ્પડ મારી દીધી હતી, જેના કારણે ઘટના સ્થળે ભારે હંગામો મચી ગયો હતો. આ સમગ્ર થપ્પડ કાંડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કોકરોચ જનતા પાર્ટી તરફથી આયોજિત આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ અને મહિલાઓ ઉમટી પડ્યાં હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, જ્યારે અભિજીત દીપકે શહીદ સ્મારક પહોંચ્યાં ત્યારે ઉત્સાહિત સમર્થકોએ તેમને પોતાના ખભા પર ઉઠાવી લીધા હતા. દરમિયાન ભીડની વચ્ચેથી ત્રણ લોકો એક સાથે આગળ વધ્યાં હતા, જેમાંથી એક યુવકે તક જોઈને ખભા પર બેઠેલા અભિજીત દીપકેને તાબડતોડ થપ્પડો મારવાનું શરૂ કરી દીધું હતું.
પોતાના નેતા પર જાહેરમાં થયેલા આ હુમલાને પગલે ત્યાં હાજર સમર્થકો અને કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. ગુસ્સે ભરાયેલા સમર્થકોએ યુવકને પકડી લીધો હતો અને જાહેરમાં જ તેને ભારે માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઘટના સ્થળે તૈનાત પોલીસે તાત્કાલિક દખલગીરી કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને થપ્પડ મારનાર આરોપી યુવકને સમર્થકોના ચુંગાલમાંથી છોડાવી કસ્ટડીમાં લીધો હતો. હાલ તેને વિધાયકપુરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.







