શ્રીનગરઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ફરી એક વાર અશાંતિ અને હિંસાથી હચમચી ઉઠ્યું છે. એક સક્રિય નાગરિક સંગઠન, જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC) પર પ્રતિબંધ મૂક્યાં બાદ વિરોધ પ્રદર્શનો હિંસક બન્યાં છે. રાવલકોટમાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 11 લોકોનાં મોત થયા છે, 70 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ હિંસા એવા સમયે થઈ જ્યારે આજે, 9 જૂને બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યાં અનુસાર, પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે JAAC સમર્થકો હોસ્પિટલના શબઘરની બહાર ભેગા થયા હતા, જ્યાં અગાઉ ગોળીબારમાં મૃત્યું પામેલા સંગઠનના એક કાર્યકર્તાના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે હિંસક પરિસ્થિતિ સર્જાઈ હતી.
પૂંછ સેક્ટરમાં હિંસા દરમિયાન ચાર પોલીસકર્મીઓ અને એક રાહદારીનું મોત થયું હતું. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક તોફાનીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં છ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. 23 સુરક્ષા કર્મચારીઓ અને લગભગ 50 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
જો કે, સ્થાનિક રહેવાસીઓ અને JAAC સમર્થકોએ સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે નાગરિકોના મૃત્યું અને ઇજાઓનો વાસ્તવિક આંકડો સત્તાવાર આંકડા કરતા વધારે હોઈ શકે છે.














