ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા બે આઇએએસ અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે, આઇએએસ અધિકારી રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેની બદલી કરાઇ છે, છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી સ્ટેટ જીએસટીના કમિશરની પોસ્ટ પર જીએમડીસીના એમડી રૂપવંતસિંહની નિમણૂંક કરાઇ છે.

વર્ષ 2004 બેચના IAS અધિકારી રૂપવંત સિંઘ હાલમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યાં હતા. હવે તેમની નિમણૂંક રાજ્ય કર વિભાગના ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે. જો કે, GMDCના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો તેમની પાસે યથાવત રહેશે.

વર્ષ 2010 બેચના IAS અધિકારી આલોક કુમાર પાંડે, જેઓ અત્યાર સુધી રાહત કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, તેમને હવે આદિજાતિ વિકાસ કમિશનર તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સંબંધિત કાર્યક્રમોના સંકલન માટે તેઓ હવે મુખ્ય ભૂમિકા ભજવશે.