- મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળ્યાં
- નેતાઓની હાજરીમાં બની ઘટના, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ
મહેસાણા: જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની એક મહત્વની સમીક્ષા બેઠકમાં મોટો હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસની જાસૂસી કરવા પત્રકારોની આડમાં ઘૂસી ગયેલા IBના બે કર્મચારીઓ ઝડપાઈ જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે, પકડાયેલા અધિકારીના મોબાઈલની તપાસ કરતાં તેમાંથી પોર્ન વીડિયો મળી આવતા કોંગ્રેસના નેતાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને તુષાર ચૌધરી સહિતના ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત હતા. બેઠકની શરૂઆતમાં જ્યારે પત્રકારોને માત્ર વિઝ્યુઅલ્સ (ફોટો-વીડિયો) લેવા માટે અંદર બોલાવવામાં આવ્યાં હતા, ત્યારે તેમની સાથે આઈબીના બે કર્મચારીઓ જ્યેન્દ્રભાઈ અને દક્ષાબેન પણ અંદર ઘૂસી ગયા હતા અને ગુપ્ત બેઠકનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.
પરવાનગી વગર અંદર પ્રવેશીને વીડિયો ઉતારતા આ કર્મચારીઓ પર કોંગ્રેસના નેતાઓની નજર પડતાં જ તેઓ ભડક્યા હતા. અમિત ચાવડાએ તાત્કાલિક વીડિયો ડિલીટ કરવા કહીને સવાલ કર્યો હતો કે, અમારી મંજૂરી વગર તમે અંદર કેમ આવ્યાં ? વીડિયો કેમ ઉતારો છો ?

















