હાલમાં 15,000 થી વધુ યાત્રિકો કટરામાં ફસાયેલા છે. સોમવારે વહેલી સવારે જમ્મુ, રાજૌરી, પૂંછ અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તવી અને ચિનાબ નદીઓ તેમજ અનેક નાળાઓમાં જળસ્તર વધી ગયું છે. હવામાન વિભાગે 23 જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે અને લોકોને પહાડી રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજૌરી અને પૂંછ જિલ્લામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને રૂ. 6 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. રવિવારે પુંછ જિલ્લામાં વરસાદ, પૂર અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓને કારણે 11 લોકોના મોત થયા હતા. સોમવારે સવારે જ્યારે જનજીવન સામાન્ય થઈ રહ્યું હતું, ત્યારે વરસાદ વચ્ચે સુરનકોટના લોરાન ગામમાં પહાડી પરથી કાટમાળનો મોટો હિસ્સો એક કાચા મકાન પર પડ્યો, જેના પરિણામે એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા હતા.
મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. રાજૌરીમાં હેલિકોપ્ટરની મદદથી મનાવર નદીના ઉફરાતા પ્રવાહમાંથી એક પુરુષનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જિલ્લામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં પૂંછ અને રાજૌરી જિલ્લામાં 21 લોકોનાં મોત થયાં છે. છ લોકો હજુ પણ લાપતા છે.
અહીં તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. કાશ્મીરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભદરવાહથી જમ્મુ જઈ રહેલી એક પેસેન્જર બસ પર રાગી નાલા નજીક પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો હતો, આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ચાર મુસાફરો ઘાયલ થયા હતા. ડોડાના કાશ્તીગઢ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાથી એક મહિલાનું મોત થયું હતું.
કટરામાં માતા વૈષ્ણો દેવીની યાત્રા દરમિયાન, બેટરી કાર રૂટ, ભૈરવ ઘાટી રૂટ અને પરંપરાગત યાત્રા માર્ગના કેટલાક ભાગોમાં આંશિક ભૂસ્ખલન અને પથ્થરો પડવાની ઘટનાઓ બની છે.
યાત્રામાં આવેલા આ અવરોધને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. અસરગ્રસ્ત માર્ગોને સુરક્ષિત બનાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને શ્રાઈન બોર્ડનું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. વહેલી સવારે જમ્મુ અને શ્રીનગર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. સતત વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.