હિમાચલ પ્રદેશઃ ચંબા જિલ્લામાં બુધવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર, મસરુંદ-હમાલ રોડ પર વાહન ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો, અને 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે.

બધા લોકો મુંડન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા 

મહલ ગામના રહેવાસીઓ પંચાયતના કાકડોથા ગામમાં મુંડન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. ભોજન સમારંભ પછી તેઓ બોલેરોમાં ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘટના જાણ થતા પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ગામલોકો મૃતદેહોને બહાર કાઢવા માટે કોતરમાં ઉતર્યા હતા. અંધારા અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે રાહત કાર્યમાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.