ઇસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે પાકિસ્તાની સેના અને રેન્જર્સે ક્રૂર કાર્યવાહી ચાલુ રાખી છે. પાકિસ્તાની સુરક્ષા દળો વિરોધ કરી રહેલા લોકો પર સીધો ગોળીબાર કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી સમગ્ર PoKમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે અને રાત્રિના સમયે પણ દેખાવો થઈ રહ્યાંં છે.
પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો સામે લોકોમાં ભારે રોષ છે. કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલી જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના જણાવ્યાંં અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે મંગળવારે 5 લોકોનાં મોત થયાં હતા. અગાઉ સોમવારે સુરક્ષા દળોના ગોળીબારમાં 25 પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા.
PoK દુનિયાથી કપાયું, ઇન્ટરનેટ સેવા સ્થગિત
જૂન મહિનાથી PoKમાં વિરોધ પ્રદર્શનો શરૂ હતા, આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત હોવાને કારણે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આ વિસ્તાર બાકીની દુનિયાથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે અને મોટા પાયે ધરપકડો થઈ રહી છે. દરમિયાન, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાની સત્તાવાળાઓ પાસે સંચાર પરના પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે.














