વોશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આયાતી જેનરિક દવાઓ પર તબક્કાવાર ટેરિફ (આયાત જકાત) લાદવાની યોજનાની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું કે આ દવાઓ બે વર્ષ સુધી અમેરિકામાં ડ્યુટી-ફ્રી (કરમુક્ત) આવતી રહેશે, અને ત્યારબાદ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને દેશમાં પાછું લાવવા માટે તેના પર ઊંચો ટેરિફ લાદવામાં આવશે.

2028 પછી 200 ટકા ટેરિફ લાગુ થશે

આ પગલાનો ઉદ્દેશ્ય આવી ફાર્માસ્યુટિકલ દવાઓનું સ્થાનિક ઉત્પાદન શરૂ કરવાનો છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું, 1 ઓગસ્ટ, 2026થી બે વર્ષના સમયગાળા માટે અમેરિકામાં આવતી તમામ જેનરિક દવાઓ પર શૂન્ય ટકા ટેરિફ લાગુ થશે. ત્યાર બાદ, એક વર્ષ માટે ટેરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને તે પછી તેને વધારીને 200 ટકા કરવામાં આવશે.