મુંબઇઃ ફિલ્મ 'દંગલ'માં આમિર ખાનની નાની દીકરી બબીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે. અભિનેત્રી માત્ર 19 વર્ષની હતી અને આ ઉંમરે તેને દુનિયાને અલવિદા કહી દીધું છે. સુહાની ભટનાગરના આખા શરીરમાં પ્રવાહી જમા થઈ ગયું હતું. થોડા સમય પહેલા સુહાનીનો અકસ્માત થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર દરમિયાન તેને લીધેલી દવાઓનું રિએકશન આવતા તેના શરીરમાં ધીમે ધીમે પ્રવાહી એકઠું થવા લાગ્યું હતું. જેના કારણે તે લાંબા સમયથી બીમાર હતી અને AIIMS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા નહીં અને સુહાની ભટનાગરનું અવસાન થયું છે. સુહાની મોતથી તેમનો પરિવાર શોકમાં છે.

સુહાની ભટનાગરની કારકિર્દી

સુહાની ભટનાગરે 2016માં આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે આમિર ખાનની પુત્રી બબીતા ​​ફોગટના રોલમાં જોવા મળી હતી. તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પહેલા તેણે ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં કામ કર્યું હતું. સુહાનીને 'દંગલ'થી ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી સુહાનીને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. તે પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા માંગતી હતી. ઘણા ઈન્ટરવ્યૂંમાં સુહાનીએ કહ્યું હતું કે તેનો અભ્યાસ પૂરો કર્યાં પછી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછી ફરશે, પરંતુ કોણ જાણતું હતું કે તે કરિયર બનાવે તે પહેલા જ અભિનેત્રીનું જીવન થંભી જશે.

અભિનેત્રીના અંતિમ સંસ્કાર આજે થશે