તેહરાનઃ અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઈરાને પરમાણુ વિસ્ફોટથી બચવાના ઉપાયો પર જાહેર એડવાઈઝરી બહાર પાડી છે. 8 મીનિટના આ વીડિયોમાં હુમલા પછી આશ્રય લેવા, રેડિયોએક્ટિવથી બચવા અને ફોલઆઉટથી સુરક્ષિત રહેવા અંગેના નિર્દેશો આપવામાં આવ્યાં છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી 'IRNA' એ વીડિયો સાથે આ માર્ગદર્શિકા જાહેર કરી છે.
જાહેર કરાયેલી સૂચનાઓમાં નાગરિકોને ભોંયરામાં આશ્રય લેવા, બારીઓથી દૂર રહેવા અને બહારની હવા અંદર ખેંચતા એર કંડિશનર બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ, જો કોઈ વ્યક્તિ ખુલ્લામાં ફસાઈ જાય, તો તેણે શું કરવું તે પણ જણાવાયું છે.
ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના મીડિયા આઉટલેટ્સે પણ આ માર્ગદર્શિકા અંગે માહિતી આપી છે. તેમાં ઈરાનીઓને સલાહ અપાઈ છે કે સંભવિત હુમલા બાદ તેઓ 24 કલાક સુધી સુરક્ષિત જગ્યાએ રહે, પેકેટબંધ ભોજન અને બોટલબંધ પાણીનો જ ઉપયોગ કરે, તેમજ વાહનોની અંદર આશરો લેવાનું ટાળે. ઈરાનના ઇમરજન્સી અધિકારીઓએ ચેતવણી આપી છે કે રેડિયોએક્ટિવ કણો પવન મારફતે ફેલાઈ શકે છે, જેથી વિસ્ફોટ સ્થળથી દૂર રહેલા લોકોને પણ જોખમ ઊભું થઈ શકે છે.













