મુંબઇ: યૌન શૌષણ કેસમાં અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. આવતીકાલે ગુરૂવારે અનુરાગ કશ્યપને પોલીસ સ્ટેશન પહોંચવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ, ગુરુવારે સવારે 11 વાગ્યે અનુરાગ કશ્યપ વર્સોવા પોલીસ સ્ટેશનમાં હાજર થશે.

બોલિવૂડ એકટ્રેસ પાયલ ઘોષે કથિત રીતે અનુરાગ પર સાત વર્ષ પહેલા બળાત્કાર કર્યાનો આરોપ મૂકયો છે.થોડા દિવસ પહેલા પાયલે વીડિયો જાહેર કરીને અનુરાગ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા.પાયલે વીડિયોમાં કહ્યું હતું કે તેની અને અનુરાગ કશ્યપની મિત્રતા ફેસબુક દ્વારા થઈ હતી. જે બાદ તે અનુરાગને મળી હતી.ત્રીજી મુલાકાત વખતે અનુરાગે પાયલને ઘરે બોલાવી હતી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ પાયલનું કહેવું છે. 

એકટ્રેસ પાયલના વકીલ નિતિન સતપૂતે જણાવ્યું હતું કે, અનુરાગ કશ્યપ સામે લેખિત ફરિયાદ નોંધાવાઈ છે.કલમ 376, 354, 341 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

બીજી તરફ ફિલ્મ મેકલ અનુરાગ કશ્યપે પાયલ ઘોષ દ્વારા લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું.અનુરાગ કશ્યપના સમર્થનમાં તાપસી પન્નુ સહિતની ઘણી એકટ્રેસ ઉતરી આવી હતી. કશ્યપની બંને પૂર્વ પત્નીઓએ પણ તેનો બચાવ કર્યો હતો.પાયલની ફરિયાદને તેમણે સૌથી વાહિયાત સ્ટન્ટ ગણાવ્યો હતો.