ગાંધીનગરઃ દિવાળીના તહેવારો પહેલા જ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠકમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પડતર દિવસની રજા જાહેર કરીને તહેવારોમાં ચાર દિવસના મિનિ વેકેશનની ભેટ અપાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા 7માં પગારપંચ હેઠળ આવતા કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો મંજૂર કરાયો છે. આ અગાઉ મે 2026માં સરકાર દ્વારા DAમાં 2 ટકાનો વધારો કરાયો હતો, જેના કારણે તે 58 ટકાથી વધીને 60 ટકા થયું હતું. હવે વધુ 3 ટકાના નવા વધારા બાદ મોંઘવારી ભથ્થું વધીને 63 ટકાએ પહોંચશે. કર્મચારીઓને તેમના મૂળ પગારના આધારે આ વધારાનો સીધો આર્થિક લાભ મળશે.
આ નિર્ણયથી રાજ્ય સરકાર અને પંચાયત સેવા સહિતના આશરે 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ તેમજ અંદાજે 4.82 લાખ પેન્શનર્સને મોટો ફાયદો થવાની ધારણા છે. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર વિગતવાર જાહેરાત અને પરિપત્ર બહાર પાડવામાં આવશે, જેમાં આ લાભ કઈ તારીખથી અમલી ગણાશે તેની ચોક્કસ સ્પષ્ટતા કરાશે.













