Fact check: 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાન એક મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને હોસ્ટેલમાં રહેતા મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. આ અકસ્માત પછી, સોશિયલ મીડિયા પર ઘણા ભ્રામક અને ખોટા દાવાઓ વાયરલ થઈ રહ્યાં છે. હવે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં, એક ઇમારત પાસે વાહનો પાર્ક કરેલા છે, પછી અચાનક એક ધડાકો થાય છે. તેમાં, ઇમારતની અંદર એક વિસ્ફોટ જોઈ શકાય છે અને લોકો ઘાયલ થતા જોઈ શકાય છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યાં છે અને દાવો કરી રહ્યાં છે કે આ વીડિયો અમદાવાદ મેડિકલ કોલેજની હોસ્ટેલ પર થયેલા વિમાન દુર્ઘટનાનો ફૂટેજ છે.

Gujratpost Fact check ની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે સંબંધિત નથી. વાસ્તવમાં, આ વાયરલ વીડિયો લેબનોનની એક હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટનો છે. જેને અમદાવાદ અકસ્માત સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોનો અમદાવાદ કે ભારત સાથે કોઈ સંબંધ નથી. આ મામલે અમે અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસ્યાં અને ગુગલ રિવર્સ ઇમેજ પર પણ ચેક કર્યું ત્યારે સત્ય સામે આવ્યું.

વાયરલ પોસ્ટમાં શું છે ?

ફેસબુક યુઝર ચિતરંજન સિંહે 14 જૂન, 2025 ના રોજ વાયરલ વીડિયો શેર કર્યો અને લખ્યું, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાનો બીજો વીડિયો સામે આવ્યો છે. મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગના સીસીટીવી કેમેરા સામે આવ્યાં છે. જુઓ વિમાન દુર્ઘટના પછી કેવી રીતે વિનાશ સર્જાયો. #viralpost2025 #viralvideochallenge #CMGujarat #local #Location #plane #planecrash #airplane #airport