પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢના મધુરમ બાયપાસ સ્થિત વૃંદાવન નગર સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉં.વ.54)એ એક જાગૃત નાગરિકના ભત્રીજા સામે ગૌચરમાં દબાણ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા તેમજ તલાટી કે TDO કચેરી તરફથી કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તે માટે આરોપીએ ફરિયાદી પાસે કુલ રૂ. 5,25,000 માતબર રકમની માગણી કરી હતી.
આ ડીલ પેટે આરોપીએ અગાઉ રૂ.25,000 અને ત્યાર બાદ રૂ.1,50,000 એમ મળીને કુલ રૂ. 1.75 લાખ પડાવી લીધા હતા. બાકી નીકળતી રૂ. 3,50,000 ની રકમ આજે આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે જૂનાગઢ એ.સી.બી.નો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદને આધારે એ.સી.બી. જૂનાગઢ એકમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જૂનાગઢના દિવાન ચોક નજીક આવેલા લીમડા ચોક ખાતે જાહેર રોડ પર જ્યારે આરોપી કરશનભાઇ સોલંકી ફરિયાદી પાસેથી રૂ. 3,50,000ની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ પહેલેથી વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACB એ લાંચની પૂરેપૂરી રૂ. 3,50,000ની રકમ સ્થળ પરથી રિકવર કરી આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જાહેર રોડ પર થયેલી આ સફળ ટ્રેપથી લાંચિયા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.