સિદ્ધપુરમાં 8 વખત બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતુ
- પાલનપુર અને સિદ્ધપુરમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો આવી સામે
- મદરેસાના યુવાનોનું બ્રેઇનવોશ કરીને આતંકના રસ્તે ધકેલવાનું ષડયંત્ર
- વડોદરા-ભરૂચમાં ગુપ્ત બેઠકો કરી, કાશ્મીરમાં લીધી હતી હથિયારોની તાલીમ
અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકવાદીઓની તપાસમાં અત્યંત ગંભીર અને ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. આ આતંકીઓ ગુજરાતમાં કોઈ મોટી આત્મઘાતી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ માટે તેઓએ સિદ્ધપુર નજીક 8 વખત બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આતંકીઓએ જુદા-જુદા પુસ્તકોના આધારે જીવલેણ અને ઝેરી વાયુ બનાવવા માટે એક નવી પદ્ધતિ વિકસાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ઝડપાયેલા 13 આતંકવાદીઓ પૈકી 5 આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને સંગઠનના આકાઓ સાથે સીધા સંપર્કમાં હતા. તેમની પાસેથી જૈશના મુખિયા મૌલાના અઝહર મસૂદને લખેલા પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓની સામગ્રીના આધારે ઝેરી ગેસ બનાવવાની તાલીમ મેળવી હતી. તેઓ કાચની એક હવાચુસ્ત બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને ઘાતક કેમિકલ્સ મિક્સ કરી તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા, જેથી અંદર જીવલેણ ગેસ તૈયાર થતો હતો. આ કેમિકલ વેપનનો ઉપયોગ તેઓ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા તે દિશામાં હાલ ATS તપાસ ચલાવી રહી છે.













