અમદાવાદઃ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાનું નિધન થયું છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટારના  એક યુગનો અંત આવ્યો છે. બે દિવસ પહેલા તેમના મોટાભાઇ મહેશ કનોડિયાનું નિધન થયું હતુ હવે નરેશ કનોડિયાનું પણ 77 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેમની સારવાર ચાલુ હતી.

પહેલા મહેશ અને હવે નરેશની વિદાયથી ગુજરાતના લાખો ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નરેશે વેલીને આવ્યા ફૂલથી ગુજરાતી ફિલ્મમાં કરિયરની શરૂઆત કરી હતી. સ્નેહલતા સાથે તેમની જોડી સુપરહિટ સાબિત થઈ હતી.

મહેશ-નરેશે જ્યારે ગુજરાતી ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બિલિમોરિયા સરનેમ સાંભળી હતી. તેમણે આ અટક અંગે જ્યારે વધુ જાણ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તે આ અટક બિલિમોરા ગામ પરથી પડી છે. આ વાતથી પ્રભાવિત થઈને મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા સરનેમ રાખી હતી. બાદમાં તેઓ કનોડિયા નામથી ઓળખાતા હતા

આશરે 40 વર્ષની કરિયરમાં તેમણે અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપીને અનોખો ચાહકવર્ગ ઉભો કર્યો હતો.નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ત્યારે ગુજરાતી ફિલ્મોના એક યુગનો આજે અંત આવ્યો છે, મહેશ-નરેશને શ્રદ્ધાંજલી....