બેંગકોકની સફર, ડ્રગ માફિયાની જાળ અને ચાર મિત્રોની મસ્તી… એટલે હાસ્યનું ફૂલ પેકેજ !
અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં દર્શકોને ખડખડાટ હસાવતી વધુ એક મનોરંજક બિગ બજેટ ફિલ્મ ‘પીધા પછી’ હાલમાં સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. સરોવર આર્ટ’ના બેનર હેઠળ બનેલી આ બિગ બજેટ ફિલ્મ નિર્માતા અનિલ મેહતાની પ્રથમ ફિલ્મ છે. પહેલી જ ફિલ્મમાં તેમણે મનોરંજનનો ભરપૂર ડોઝ આપવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મની વાર્તા ચાર મિત્રો અને તેમની બેંગકોક ટ્રીપની આસપાસ ફરે છે. એક મિત્રની બેચલર પાર્ટી માટે બેંગકોક પહોંચેલી આ ચોકડી મસ્તીના મૂડમાં હોય છે, પરંતુ અજાણતા જ ડ્રગ માફિયાની જાળમાં ફસાઈ જાય છે. ત્યાર બાદ શરૂ થાય છે જીવ બચાવવાની દોડ, ગેરસમજો, ગોટાળા અને કોમેડીની એવી સિરિઝ કે જે ફિલ્મને સતત મનોરંજક બનાવે છે.
ફિલ્મનું ખાસ આકર્ષણ છે તેનું થાઇલેન્ડમાં થયેલું શૂટિંગ. બેંગકોકના સુંદર લોકેશન્સ ફિલ્મને ઇન્ટરનેશનલ લુક આપે છે. DOPનું કેમેરાવર્ક ખાસ નોંધપાત્ર છે અને થાઇલેન્ડની સુંદરતાને સ્ક્રીન પર સુંદર રીતે કંડારવામાં આવી છે.













