- ED માં પાસપોર્ટ જમા હોવા છતાં વિદેશ પ્રવાસ કર્યો હતો.
- ખોટા દસ્તાવેજોને આધારે રૂ. 25 લાખ આપી ગાઝિયાબાદથી પાસપોર્ટ કઢાવ્યો હતો.
- ગુજરાત ATS એ સાયન્સ સિટી પાસેથી આરોપીને ઝડપી લીધો
અમદાવાદ: PAASના પૂર્વ નેતા અને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતા પટેલના પુત્ર હરિકેશ પટેલને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા નકલી પાસપોર્ટ બનાવવાના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યો છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) ના કેસમાં મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં, આરોપીએ ઉત્તર પ્રદેશના સરનામેથી નવો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું હતું.
ATS એ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઊર્મિ બંગલોઝ ખાતે રહેતા હરિકેશ પ્રણવ પટેલની સાયન્સ સિટી પાસેથી ધરપકડ કરી હતી. પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે આરોપી વર્ષ 2023 ના EDના મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવાયેલો હતો અને તેના જામીન રદ થતાં તેનો અસલ પાસપોર્ટ કોર્ટમાં જમા હતો.
વિદેશ પ્રવાસ કરવાના ઈરાદે આરોપીએ દુબઈના એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. રૂ. 25 લાખ આપીને આરોપીએ આગ્રા ખાતે ભાડે રહેતો હોવાનો બનાવટી રેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. ત્યાર બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી અરજી કરી હતી, ગાઝિયાબાદ પાસપોર્ટ ઓફિસમાંથી વર્ષ 2024 માં નવો પાસપોર્ટ મેળવી લીધો હતો. આ નકલી પાસપોર્ટને આધારે તે ભૂતાન અને નેપાળ મારફતે બેંગકોક, દુબઈ અને સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે.














