અમદાવાદઃ એરપોર્ટ પર એક વિમાનમાંથી ચાર કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ વિમાન પર દરોડા પાડ્યાં હતા અને ટોઇલેટમાંથી સોનું જપ્ત કર્યું હતુ, ઇન્ડિગોની આ ફ્લાઇટ ગુરુવારે દુબઈથી અમદાવાદ આવી હતી. સોનું કોણ લાવ્યું તેની તપાસ થઇ રહી છે.
અધિકારીઓએ વિમાનનું નિરીક્ષણ કર્યું. શોધ દરમિયાન, શૌચાલયમાં સ્પીકર બોક્સની અંદર બે પેકેટ મળી આવ્યાં હતા. આ પેકેટોમાં 24 સોનાના બિસ્કિટ હતા.આ સોનાના બિસ્કિટની બજાર કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે.
કાળા ટેપથી લપેટાયેલા બે પાઉચમાં સોનું મળી આવ્યું
એરપોર્ટ પરથી મળેલી માહિતી અનુસાર, અધિકારીઓને વિમાન દ્વારા સોનાની દાણચોરી અંગે માહિતી મળી હતી. ગુરુવારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ 6E-1478 આવતાની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ભૂતકાળમાં પણ વિમાનના શૌચાલયોમાં સોનાની દાણચોરીના બનાવો નોંધાયા છે.

















