(file photo)
- ઘરે જઈને રૂમમાં રડતા બાળકે હકીકત જણાવી
- સ્કૂલ સંચાલકોનો દાવો: મામલો થાળે પડ્યા બાદ પતાવટ પેટે વાલી પક્ષે ખંડણી માંગી હતી

(file photo)
અમદાવાદ: શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઇટ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થી પર શિક્ષક અને પ્રિન્સિપાલે હાથ ઉપાડ્યાની ઘટના સામે આવી છે. ધોરણ 4 માં અભ્યાસ કરતા 9 વર્ષના સગીર વિદ્યાર્થીએ વર્ગખંડની એક સહઅભ્યાસી વિદ્યાર્થિનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપવા મુદ્દે શાળા સંચાલકોએ ફૂટપટ્ટીથી ફટકાર્યો હતો. આ મામલે બાળકની માતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, રામોલ વિસ્તારમાં માતા- પિતા સાથે રહેતો 9 વર્ષીય વિદ્યાર્થી સીટીએમ સ્થિત બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 4માં ભણે છે. ગત 19 સપ્ટેમ્બરે તેણે ક્લાસરૂમમાં એક વિદ્યાર્થિનીને કાગળ પર ‘I LOVE YOU’ લખીને ચિઠ્ઠી આપી હતી. આ ચિઠ્ઠી ક્લાસમાંથી મળી આવતાં શાળાના શિક્ષકે વિદ્યાર્થીની કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન શિક્ષક અને સ્કૂલના પ્રિન્સિપાલ આવેશમાં આવી ગયા હતા અને તેમણે 9 વર્ષના બાળકને હાથ પર ફૂટપટ્ટીઓ ફટકારી ઠપકો આપ્યો હતો. શાળામાંથી ઘરે પહોંચ્યાં બાદ બાળક ગભરાઈને રૂમમાં પુરાઈ ગયો હતો અને સતત રડી રહ્યો હતો.
માતાએ તેને સાંત્વના આપી પ્રેમથી પૂછપરછ કરતાં તેણે શિક્ષક અને પ્રિન્સિપાલે કરેલા શારીરિક-માનસિક ત્રાસની આપવીતી જણાવી હતી. પ્રાથમિક શાળાના નાના બાળક પર આ પ્રકારે હાથ ઉપાડવા બદલ વાલીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક રામોલ પોલીસ મથકે પહોંચી શિક્ષક સીમા ગોસ્વામી તેમજ પ્રિન્સિપાલ ઇન્દ્રજીત મોર્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ, આ વિવાદ અંગે શાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,આ વિદ્યાર્થી અવારનવાર વિદ્યાર્થિનીને હેરાન કરતો હતો અને લવ લેટર આપ્યો હતો. વિદ્યાર્થિની રડતી હોવાથી પૂછપરછ કરાઈ ત્યારે તેણે વર્ગખંડ બદલવાની માંગ કરી હતી. ઘટના બાદ વાલીએ શાળામાં આવીને હોબાળો મચાવ્યો હતો, જો કે બાદમાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં, બાળકના મામા વચ્ચે પડ્યા હતા અને મામલો પતાવવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. શાળાએ આ અયોગ્ય માંગ સ્વીકારવાનો ઇનકાર કરતાં બદઇરાદાથી આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.







