અમદાવાદઃ વસ્ત્રાલમાં ચાલતા એક કોલ સેન્ટર પરથી સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. આ આંતરરાજ્ય ગેંગનો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેંગે અંદાજે પાંચ હજાર લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનું સંચાલન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પરથી થતું હતું, જ્યારે તેનો મુખ્ય સૂત્રધાર ઉત્તર પ્રદેશના ઇટાવાનો રહેવાસી દેવેન્દ્રસિંહ રાજાવત હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શક્તિવર્ધક દવા, 100 ટકા ગેરંટી, આયુર્વેદિક ઈલાજ અને પરફોર્મન્સ વધારવાની દવા જેવા દાવા કરતી આકર્ષક જાહેરાતો પ્રસારિત કરતા હતા.
જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરનાર લોકોને કોલ સેન્ટરના કર્મચારીઓ ડોક્ટર અથવા મેડિકલ એક્સપર્ટ તરીકે ઓળખ આપી વિશ્વાસમાં લેતા અને દવા ખરીદવા માટે સમજાવતા હતા. વાતચીત દરમિયાન ગ્રાહકોની માહિતી લઇ લેતા હતા.
ગેંગની સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી દવા વેચ્યા પછી શરૂ થતી હતી. ગ્રાહકે દવા ખરીદી અને પાર્સલ સ્વીકારી લીધા બાદ આરોપીઓ ફરી ફોન કરતા અને આ વખતે પોતાને પોલીસ અધિકારી અથવા સરકારી અધિકારી તરીકે ઓળખાવતા હતા.

















