અમદાવાદઃ પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એક વખત ચર્ચામાં છે. તેની એક સોશિયલ મીડિયા પોસ્ટે ફરી એકવાર ભારે ચર્ચા જગાવી છે. હાર્દિક પટેલે કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર જ પોતાના વિરોધીઓને સંબોધીને અત્યંત સૂચક અને આક્રમક શબ્દોમાં ચેતવણીભર્યો સંદેશ આપ્યો છે. તેમની આ પોસ્ટ વાયરલ થતાં જ રાજકીય તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે.
હાર્દિક પટેલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા. દરેક જવાબ શબ્દોથી જ અપાય એ જરૂરી નથી. આ પોસ્ટ સામે આવ્યાં બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે હાર્દિક પટેલનો આ આડકતરો ઈશારો કોના તરફ છે ? શું આ સંદેશ કોઈ રાજકીય વિરોધીની ટિપ્પણીનો જવાબ છે, જૂના સાથીદારો સાથેના કોઈ મતભેદનો સંદર્ભ છે, કે પછી પક્ષની અંદર ચાલી રહેલી કોઈ આંતરિક ખેંચતાણ તરફ નિશાન સાધવામાં આવ્યું છે ?
પોસ્ટમાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે નેતાનું નામ ન હોવાથી અને હાર્દિક પટેલ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોવાથી સસ્પેન્સ પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય વિશ્લેષકોના મતે, 'દરેક જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી' તેવો ઉલ્લેખ કરીને તેમણે આગામી સમયમાં કોઈ મોટા રાજકીય પગલાં અથવા વળતા પ્રહારનો સંકેત આપ્યો હોઈ શકે છે. જો કે, આ પોસ્ટ પાછળ કોઈ ચોક્કસ ઘટના જવાબદાર છે કે કેમ તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

















