બાબરાઃ અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાસના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાબરામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતાના વતન ધોલેરા તાલુકાના કાદીપુર ગામે જઈ પુત્ર સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બાબરામાં મકાનમાંથી 42 વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ વિનોદભાઈ ગોહેલે જ પત્ની શારદાબેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.. હત્યા બાદ તેઓ મકાન બંધ કરીને પુત્ર રોહન સાથે પોતાના મૂળ વતન ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પહોંચ્યા હતા. ગત રાત્રિના સમયે પિતા અને પુત્રએ ઘરના અલગ-અલગ રૂમમાં જઈ ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

વિનોદભાઈ ગોહેલ થોડા સમય પહેલાં જ કાદીપુરથી બાબરા ખાતે રહેવા આવ્યાં હતા અને હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં અવારનવાર બોલાચાલી અને ઘરકંકાસ ચાલતો હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું કે, મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે અને હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનું જણાય છે. વિવાદ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.