ખેડા: ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક તઘલખી અને વિવાદિત પરિપત્રને કારણે શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળતી સરકારી સહાય માટે હવે માત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB) ના જ બેંક ખાતા માન્ય રાખવામાં આવશે તેવો આદેશ કરવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
સાનુકૂળતા માટે ગરીબ વાલીઓ પર જોહુકમીનો આરોપ
નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના વિદ્યાર્થીઓને ફરજ પાડતા આ પરિપત્ર સામે વાલીઓએ સખત નારાજગી વ્યક્ત કરી છે. આક્ષેપ થઈ રહ્યો છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓએ માત્ર પોતાની વહીવટી સાનુકૂળતા અને કામગીરી દેખાડવા માટે ગરીબ પરિવારો પર આ નિર્ણય થોપી બેસાડ્યો છે. સામાન્ય રીતે RTE હેઠળના વિદ્યાર્થીઓના વાલીઓના જે કોઈ રાષ્ટ્રીયકૃત કે અન્ય બેંકમાં ખાતા હોય તેમાં જ સરકાર દ્વારા સહાયની રકમ સીધી જમા કરવામાં આવતી હોય છે. પરંતુ નવા પરિપત્રથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
3 હજારની સહાય માટે 1 હજારનો ખર્ચ કેટલો યોગ્ય?

















