7 દિવસની અંદર લેખિત જવાબ રજૂ કરવાનો આદેશ.
સોશિયલ મીડિયા પોસ્ટ, મીડિયાકર્મીઓ સાથેની વાતચીત, પ્રેસ કોન્ફરન્સ અને વોર્ડમાં કરવામાં આવેલા વર્તનને લઇને માંગ્યો ખુલાસો
નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો નહીં મળે તો પક્ષ દ્વારા શિસ્તભંગના કડક પગલાં ભરવામાં આવશે.
શું હતો રૂ.19 લાખનો વાયરલ ચેટ વિવાદ ?
થોડા સમય અગાઉ ભાજપના નેતા મનીષ નાયક અને કોર્પોરેટર ભાઈદાસ પાટીલ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. રૂ.19 લાખના કથિત તોડકાંડને લગતી આ ચેટ બહાર આવતા જ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી હતી અને પક્ષની છબી ખરડાઈ હોવાની લાગણી સંગઠનમાં ઊભી થઈ હતી.
પક્ષની શિસ્તના ભંગ બદલ સંગઠનની લાલ આંખ
વાયરલ ચેટ બાદ મનીષ નાયક દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ, મીડિયાકર્મીઓ સમક્ષ અપાયેલા નિવેદનો, પ્રેસ કોન્ફરન્સ તેમજ વોર્ડ સ્તરે તેમના વર્તનને પક્ષની શિસ્ત વિરુદ્ધનું ગણવામાં આવ્યું છે. આ બાબતે શહેર પ્રમુખ પરેશ પટેલે નોટિસ પાઠવીને તેમને ઠપકો આપ્યો છે.
સંગઠન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પક્ષની ગરિમા અને શિસ્ત વિરુદ્ધનું કોઈ પણ વર્તન સાંખી લેવામાં આવશે નહીં. જો મનીષ નાયક 7 દિવસમાં પોતાનો લેખિત ખુલાસો રજૂ કરવામાં નિષ્ફળ જશે અથવા તેમનો જવાબ સંતોષકારક નહીં જણાય, તો તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.