પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં બુધવારે બપોરે કાયદાકીય વ્યવસ્થાને પડકારતી સનસનાટીભરી ઘટના સામે આવી છે. કોર્ટની કાર્યવાહીમાં હાજર થવા માટે આવેલા હત્યાના એક આરોપીની કોર્ટની બહાર ધોળા દિવસે અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોરોએ પહેલા આરોપી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ત્યારબાદ ગોળીબાર કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર મચી ગઈ છે.
ફૂટપાથ પર પાડી દઈને હુમલો, સ્કૂટર પર ફરાર
મૃતકની ઓળખ મંદાર મારુતિ કિવલે તરીકે થઈ છે. આ ભયાનક ઘટનાના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મંદાર કિવલે ફૂટપાથ પર પડેલો છે અને બે હુમલાખોરો તેના પર સતત તીક્ષ્ણ હથિયારો વડે ઘા કરી રહ્યા છે. હુમલો કર્યા બાદ આરોપીઓ ગોળીબાર કરી બે ટુ-વ્હીલર (સ્કૂટર) પર સવાર થઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે કોર્ટ પરિસરની બહાર બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.














