જૂનાગઢ: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની ખોટી ઓળખ આપીને ઓનલાઈન છેતરપિંડી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે વોટ્સએપ કોલ મારફતે હોટલના પેમેન્ટનું બહાનું ધરી રૂ.10 હજાર પડાવવા માટે UPI સ્કેનર મોકલ્યું હતું. જોકે, સમયસર ભાંડો ફૂટી જતાં ધારાસભ્યના PA દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ વોટ્સએપ કોલ કરીને પોતાની ઓળખ ધારાસભ્ય સંજય કોરડીયા સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે આપી હતી. ત્યારબાદ 'કલીક હોટલ' સંબંધિત કામનું બહાનું આગળ ધરીને તાત્કાલિક રૂ. 10 હજારનું પેમેન્ટ કરવાનું હોવાનું જણાવ્યું હતું. સામેની વ્યક્તિનો વિશ્વાસ જીતીને નાણાં મેળવવા માટે ઠગે વોટ્સએપ પર UPI સ્કેનર  પણ મોકલ્યું હતું.

સામાન્ય રીતે સાયબર ઠગો રાજકીય આગેવાનો કે જાણીતી હસ્તીઓના નામનો દુરુપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે. પરંતુ, આ કિસ્સામાં નાણાં ટ્રાન્સફર થાય તે પહેલાં જ સમગ્ર મામલો ધારાસભ્યના કાર્યાલયના ધ્યાને આવી ગયો હતો, જેના કારણે છેતરપિંડીનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતાં ધારાસભ્ય સંજય કોરડીયાના પીએ દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસ દ્વારા કોલ કરનારના મોબાઈલ નંબર અને મોકલવામાં આવેલા UPI સ્કેનર સાથે જોડાયેલા બેંક ખાતાની વિગતો મેળવી આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ કૃત્ય પાછળ કોઈ વ્યક્તિગત ઠગ છે કે કોઈ મોટી ગેંગ કાર્યરત છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.