અમરેલી: જાફરાબાદ શહેરના દરિયાકાંઠે આવેલા કોબલીની વાવ વિસ્તારમાં પશુ ચરાવવા ગયેલા એક આધેડ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. શિકારની શોધમાં આવી ચડેલા સિંહના આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ઘટનાની વિગત મુજબ, જાફરાબાદના કોબલીની વાવ વિસ્તારમાં શિનુભાઈ દેવાભાઈ બારૈયા પોતાના માલઢોર ચરાવવા માટે ગયા હતા. ઇજાગ્રસ્તના ભત્રીજા મુકેશભાઈ બારૈયાના જણાવ્યાં અનુસાર, તેમના કાકા જ્યારે પશુઓ લઈને પરત ફરી રહ્યાં હતા, ત્યારે રસ્તામાં પાછળથી અચાનક સિંહ ઘસી આવ્યો હતો અને તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલામાં શિનુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તેમને તાત્કાલિક જાફરાબાદ ખાતે પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાંથી તેમની હાલત જોતા વધુ સારવાર અર્થે રાજુલા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતા.

સ્થાનિકોએ વનવિભાગ સમક્ષ માંગ હુમલાખોર સિંહને વહેલી તકે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી છે.  બનાવની જાણ થતા જાફરાબાદ રેન્જના આરએફઓ સહિત વનવિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. વનવિભાગની ટીમે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી હુમલાખોર સિંહનું ચોક્કસ લોકેશન મેળવવા માટે સ્કેનિંગની કામગીરી હાથ ધરી હતી. સિંહનું પગેરું મળ્યા બાદ તેને તાત્કાલિક પાંજરે પૂરવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

જાફરાબાદના દરિયાકાંઠે પશુ ચરાવવા ગયેલા આધેડ પર સિંહનો જીવલેણ હુમલો
જાફરાબાદના દરિયાકાંઠે પશુ ચરાવવા ગયેલા આધેડ પર સિંહનો જીવલેણ હુમલો