અમદાવાદ: શહેરના ચાંદલોડિયા ગરનાળા પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી માત્ર 5 વર્ષની માસૂમ બાળકી ટ્રકની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બાળકી તેના પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહી હતી, દરમિયાન ચાંદલોડિયા ગરનાળા નજીક ટ્રકની અડફેટે આવતાં બાળકી ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીને બચવાની તક પણ મળી ન હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે, ટ્રકચાલકની અટકાયત
અકસ્માતની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.

















