રાજકોટઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ રોડ પર વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન ફરજ બજાવી રહેલા ટ્રાફિક શાખાના ASI સાથે ઉદ્ધત વર્તન કરી 'પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ' તેવી ધમકી આપવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં નારાજગી છે. માલવિયાનગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અનેે આરોપી યુવક નિવૃત ASIનો પુત્ર હોવાનું ખુલ્યું છે.
બનાવની વિગત મુજબ, ગત 24 નવેમ્બર, 2026 ના રોજ કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક એક કાર્યક્રમને લઈને ભારે ભીડ હતી. આ જ માર્ગ પરથી લદ્દાખના ઉપરાજ્યપાલનાં પત્ની સંગીતા સક્સેનાનો Z+ સુરક્ષા કાફલો પસાર થવાનો હોવાથી ટ્રાફિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. દરમિયાન ટ્રાફિક શાખાના ASI ભીમભાઈ સરવૈયા ફરજ પર હતા, ત્યારે એક યુવકે પોતાની બાઈક જાહેર રસ્તા પર અડચણરૂપ રીતે પાર્ક કરી હતી.
ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે ASI ભીમભાઈએ યુવકને બાઈક નજીકની શેરીમાં રાખવા સમજાવ્યો હતો. જો કે, યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતે 'લાઈન બોય' હોવાની ઓળખ આપીને પોલીસકર્મી સાથે બોલાચાલી શરૂ કરી હતી. તેણે જાહેરમાં તું મને ઓળખતો નથી, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશ તેવી ધમકી આપી હતી. યુવકની આ ધમકીથી વ્યથિત થયેલા ASI ભીમભાઈ સરવૈયાએ પોતાનો કમરનો પટ્ટો ઉતારીને યુવકના હાથમાં આપી દીધો હતો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ઘટના બાદ ASI ભીમભાઈ સરવૈયાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. PSI ડી.બી. ગાધે અને તેમની ટીમે તપાસ હાથ ધરતા આરોપી બાઈકચાલકની ઓળખ મકસૂદ શેખ તરીકે થઈ છે, જે રાજકોટના નિવૃત ASI ઓસમાણભાઈ શેખનો પુત્ર છે. પોલીસ પરિવારમાંથી જ આવતા યુવક દ્વારા ફરજ પરના અધિકારી સાથે આ પ્રકારના વર્તનને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે. હાલ માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

















